બુધવાર, 8 ઑગસ્ટ, 2012

સફેદ શર્ટ


ચમચમ કરતી ઘણી બધી નિયોન લાઈટ્સને દિલિપભાઈની આંખો એકીટસે જોઈ રહી હતી. દિલિપભાઈ પોતાના દીકરા ચિરાગ સાથે અમેરિકાના એક મોલમાં ખરીદી માટે આવ્યા હતા. ભાવનગર નજીકના ગામડામાં રહેતા દિલિપભાઈ માટે આ પહેલી વિદેશયાત્રા હતી. જો કે તેમણે પૂરા ભારતના દર્શન પણ નહોતા કર્યા. વર્ષોથી એમનું ગામડું જ એમની જન્મભૂમિ ને કર્મભૂમિ હતી. આખી જિંદગી વૈતરું કરી એકના એક દીકરાને ભણાવી-ગણાવીને એન્જિનિયર બનાવ્યો હતો; જે થોડા સમયથી અમેરિકામાં રહેતો હતો.
મોલમાં ફરતા ફરતા ચિરાગ એક બ્રાન્ડેડ ગારમેન્ટની દુકાનમાં જાય છે. હજારો સ્ક્વેરફૂટના એ વિશાળ પરિસરમાં જાણે તૈયાર કપડાંનો કુંભમેળો જામ્યો હતો ! અચાનક દિલિપભાઈની નજર નજીકમાં લટકાવેલા સફેદ શર્ટ પર પડી અને જાણે એ શર્ટ એમને ભૂતકાળની કોઈ યાદ તાજી કરાવી રહ્યું હોય એમ લાગ્યું. દિલિપભાઈ નજીક જઈને શર્ટને વધુ નિકટથી જોઈ રહ્યા અને ક્યારે તે પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા, તે એ પોતે પણ કળી ન શક્યા.
આજથી સાઈઠ વર્ષ પહેલા દિલિપભાઈના બાપુજી એમને નજીકની મિશનરી શાળામાં મૂકવા ગયા હતા એ આખીયે ઘટના દિલિપભાઈની આંખો સામે આવીને ઊભી રહી. ગામના શેઠિયા પાસે ઉધારના લીધેલા પૈસાથી દિલિપભાઈને ભણાવવા માટે એમના બાપુજી આચાર્યને મળે છે. મિશનરી શાળામાં ભણાવવાની જો કે એમની સ્થિતિ નહોતી પણ મક્કમ નિર્ધાર હતો કે પુત્રને સારી શાળામાં જ મોકલવો. શાળામાં જોડાવાની બધી જ પ્રક્રિયા પતી ગઈ હતી, ત્યાં વિદાય લેતી વખતે આચાર્ય એમને યાદ કરાવે છે કે કાલથી દિલિપને શાળાના ગણવેશમાં ભણવા મોકલજો. બધી જ ફી માંડ માંડ ભરી ચૂકેલા એ આધેડવયના પિતા માટે તો આ સાંભળતાં જાણે વીજળી પડી હતી ! ‘ભલે’ કહીને એમણે પુત્ર સાથે વિદાય લીધી. ગણવેશમાં સફેટ શર્ટ પહેરવો જરૂરી હતો અને એવા બે સફેદ શર્ટ ખરીદવા એટલે એ સમય પ્રમાણે ઓછામાં ઓછો પાંચથી સાત રૂપિયાનો ખર્ચ હતો. આખા રસ્તે એમના વિચારો ફક્ત એક જ દિશામાં ચાલી રહ્યા હતા કે આ વધારાના પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરવો ? પુત્ર તરીકે તેઓ પિતાની મુશ્કેલી જાણીને એમની સાથે એનો ઉકેલ શોધવામાં જોડાય છે.
છેવટે પત્નીના મંગળસૂત્રને ગિરવે મુકવાના વિચાર સાથે પિતાજી ઘરે પહોંચે છે. પત્નીને બધી વાતથી વાકેફ કરીને પોતાની મજબૂરીથી શરમાય છે પણ પુત્રના અભ્યાસ માટે પતિ-પત્ની બંને મળીને બધું કુરબાન કરવા તૈયાર થઈ જાય છે. પૈસાનો બંદોબસ્ત થતાં જ બે નવા શર્ટ ઘરમાં આવે છે અને દિલિપભાઈના શાળાજીવનની શરૂઆત થાય છે. પણ શું થાય ? વિધાતાને કંઈક બીજું જ મંજૂર હશે. અકસ્માતમાં દિલિપભાઈ માતાપિતાને ગુમાવે છે અને ઘરખર્ચ કાઢવા માટે અભ્યાસ છોડીને નાના-મોટા કામમાં જોડાઈ જાય છે. સમય જતાં લગ્ન થાય છે અને થોડા સમયમાં પુત્ર ચિરાગ પણ આ કુટુંબનો સભ્ય બને છે. માબાપના સપના પૂરાં કરવા અને ચિરાગને ભણાવી મોટો માણસ બનાવવા આખી જિંદગી ખર્ચી કાઢે છે. છેવટે નસીબ સાથ આપતાં, ચિરાગ સાથે આજે ભાવનગરની બહારની દુનિયાને જોવા કાબેલ બને છે. બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ચિરાગને જ્યારે પોતાની માતાના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે એ ભાંગી પડે છે અને પિતા દિલિપભાઈને પોતાની સાથે રહેવા બોલાવી લે છે.
એકીટશે સફેદ શર્ટને જોઈને વિચારોમાં ડૂબેલા દિલિપભાઈ પર અચાનક ચિરાગની નજર પડે છે. નજીક આવીને તે તેમને ભૂતકાળના વિચારોમાંથી બહાર લાવે છે. પોતાના બીજા શર્ટની સાથે એ પિતા માટે $60 ડૉલરનું એ શર્ટ પણ ખરીદી લે છે. ખરીદી પતાવીને પિતા-પુત્ર કારમાં ઘરે પાછા ફરે છે. ઘરે પહોંચતાં જ ચિરાગનાં પત્ની પાણીનો ગ્લાસ ધરીને પ્રશ્ન કરે છે કે : ‘શું ખરીદ્યું ?’ ચિરાગ તેનો ટૂંકો જવાબ આપતાં કહે છે કે : ‘કંઈ ખાસ નહીં. મારા માટે ત્રણ-ચાર શર્ટ અને બાપુજી માટે એક સફેદ શર્ટ, બસ….’ આ “બસ” શબ્દ સાંભળી દિલિપભાઈ ફરી વિચારોના ચગડોળે ચડી જાય છે. એમની આંખ સામે સાત રૂપિયાના ગણવેશથી લઈ 60 ડૉલરના સફેદ શર્ટ સુધીની આખી યાત્રા સ્પષ્ટ દેખાય છે !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો