બુધવાર, 8 ઑગસ્ટ, 2012

બગાડેલું મીટર


મુંબઈમાં લગભગ સૂર્યાસ્તનો સમય થઈ રહ્યો છે. ધીરે ધીરે કાળા ડિબાંગ રસ્તાઓ જાણે રંગબેરંગી ચાદર ઓઢી રહ્યું હોય એમ જાતજાતના અને રંગબેરંગી વાહનોથી ઊભરાવા લાગ્યો. ઝરણું જેમ કલકલ કરતું સમુદ્રને મળવા આતુર હોય એમ લોકો પોતપોતાની કચેરીમાંથી નીકળી ઘરે પહોંચવા નીકળી પડ્યા છે.
અજય રોજની જેમ આજે પણ પોતાના ઑફિસથી નીકળી અને રિક્ષામાં બેસી ગયો હતો. પણ વારંવાર એની નજર કાચમાંથી દ્રષ્ટિગોચર થતા રિક્ષા ડ્રાઈવરના ચહેરા પર જઈ રહી હતી, એના ચહેરાના બદલાતા હાવભાવને અજય સમજવાની કોશિશ કરી રહ્યો હતો. રિક્ષા લગભગ હાઈ-વે પર આવેલા સિગ્નલ આગળ આવી અટકી ગઈ. અજયની નજર મીટર પર પડી, છેલ્લા લગભગ બે વર્ષથી એક જ રસ્તા પર રિક્ષામાં આવ-જા કરવાને કારણે એ રિક્ષાભાડા અને મીટરનું અનુમાન સચોટ કરી શકતો હતો. આજે એ મીટર લગભગ દોઢું ભાડું દેખાડી રહ્યું હતું. પહેલેથી જ ડ્રાઈવરના ચહેરાને સમજવાની કોશિશ કરનાર અજય, ખોટા મીટર અને ડ્રાઈવરની પરેશાનીનો તાગ મેળવવા મથવા લાગ્યો. પરિસ્થિતિને વધારે બરાબર જાણવા માટે તે રિક્ષાવાળા સાથે વાત કરવાનું શરૂ કરે છે અને થોડીવારમાં જ સમજી જાય છે કે તે પોતાના કૌટુંબિક અને આર્થિક કારણોસર મુશ્કેલીમાં છે.
અજય સમજી જાય છે કે મીટરનું ખોટું રિડીંગ બતાવવું એ કોઈ જોગાનુજોગ નથી. એ રિક્ષાવાળાની પોતાની અનેક મુશ્કેલીઓમાંની એકને ઓછી કરવાનો પ્રયત્ન હતો ! હવે રસ્તા પર વાહનો સાથે હોર્નના અવાજ પણ વધવા લાગ્યા હતા. આખા દિવસ સૂર્યપ્રકાશમાં તપેલા રસ્તાઓને હવે આજુબાજુ લગાવેલી સ્ટ્રીટલાઈટ્સ પ્રકાશમય કરી રહી હતી. અજવાળું ઓછું થવા છતાં પણ અજય રિક્ષા ડ્રાઈવરનો એ વેદનામય અને વિચારોથી ઘેરાયેલો ચહેરો સાફ જોઈ શકતો હતો. એક વાર તો અજયને મન થઈ આવ્યું કે એ રિક્ષાને બાજુ પર ઊભી રાખી, ખોટા મીટર માટે ડ્રાઈવરની ખબર લઈ લે, પણ ડ્રાઈવરના ચહેરા પરની રેખાઓ એને રોકી રહી હતી.
હંમેશા પ્રમાણે ટૂંકા રસ્તાથી જવા કરતાં અજય ડ્રાઈવરને બીજો રસ્તો બતાવે છે જે પ્રમાણમાં વધારે લાંબો છે. રિક્ષા પૂરપાટ એ રસ્તા પર જઈ રહી છે. અજય કેમેય કરીને એની નજર મીટર અને કાચમાં પડતા ડ્રાઈવરના પ્રતિબિંબ પરથી હટાવી નથી શક્તો. હાઈ-વે પરના રસ્તાઓ પસાર કરી રિક્ષા શહેરના અંદરના રસ્તા પર દોડવા માંડે છે. લોકોથી અને વાહનોથી ઉભરાતા રસ્તાઓ પર અજય નજર ચૂકવી ફરીથી ડ્રાઈવરને જોઈ રહ્યો છે. રિક્ષા એના ઘરની નજીક આવી ઊભી રહે છે. લગભગ બમણું મીટર જોતા જ પહેલાં તો અજયનો ચહેરો નારાજગી દર્શાવે છે પણ પછી પોતાના ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢી ડ્રાઈવરને આપી દે છે. અજયના ચહેરા પર ઊભા થયેલા હાવભાવને ડ્રાઈવર જોઈને કળી જાય છે કે આ કોઈ રોજના રિક્ષામાં સફર કરનાર જણાય છે અને મીટરના ખોટા રિડીંગને દરગુજર કરી રહ્યો છે. હાથમાં કડકડતી સો-સોની નોટ જોઈને એ પોતાની મુશ્કેલીઓનો ચિતાર અજયને કહેવા જાય છે ત્યારે અજય ઈશારાથી એને ના કહે છે. અજયની આંખો જાણે એને કહી રહી હતી કે હું બધું જાણી ગયો છું.
અજય પોતાની બેગ લઈ ઘર તરફ પગ માંડે છે. હવે કાચમાંથી જોતા રહેવાનો વારો ડ્રાઈવરનો આવે છે. હાથમાં આવેલી સો-સોની નોટ અને અજયના પ્રતિબિંબને જોઈ એની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે.
.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો