મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

"ભ” ભજીયાંનો “ભ”

પણે ગુજરાતીઓ બધી વસ્તુ સાથે લગાવ રાખીએ છીએ પછી એ જૂની રદ્દી હોય કે કબાટમાં પુરાયેલાં કપડાં હોય કે વર્ષો જૂના ક્યારેક જ વાપરેલ મોબાઈલ ના સીમ કાર્ડમાં પડેલા નંબરો હોય ! આપણને આપણા શરીર સાથે પણ અતિશય પ્રેમ છે જે કોઈ પણ ફક્ત શરીરની ભૂમિતિ જોઈને કહી શકે છે અને એટલે જ આપણો બધો શરીર પ્રત્યેનો પ્રેમ આપણે દેખાડીએ છીએ એના પર જાત જાતના અને ભાત ભાતના ભોજનનો એકધારો જરૂરિયાત વગરનો મારો ચલાવીને. એમાં પણ ભજીયાં સાથે તો જાણે આપણો અતૂટ સંબંધ છે.

પ્રાચીનકાળથી ભજીયાંનું અસ્તિત્વ અકબંધ છે. જેમ પુરાતનશાસ્ત્ર પથ્થર અને શીલાલેખોના વિશ્લેષણ કરી આ સૃષ્ટીનો તાગ મેળવવાની કોશિશ કરે છે તેમ તેઓ ભજીયાંના ઇતિહાસ પર પણ અભ્યાસ કરીને પૂરી માનવ સંસ્કૃતિ નહિ તો કમ સે કમ ગુજરાતી ભજીયાંપ્રેમ પર તો પ્રકાશ પાડી જ શકે છે ! આદિકાળથી ગુજરાતીઓનો ભજીયાં સાથે સંબંધ જરૂર છે. આપણે લગભગ દરેક કુદરતી અને અમુક માનવસર્જિત પદાર્થના ભજીયાં બનાવી ચુક્યા છે. ઉદહારણ રૂપે : બટાટા, કાંદા, મરચાં, કોબી, રીંગણા, ફ્લાવર, મગની દાળ કે પછી કોઈ પણ ભાજી હોય. અરે, ફળ ને પણ આપણે આમાંથી બાકાત નથી રાખ્યા ! કેળાંના ભજીયાં તો જાણે એક સ્વર્ગીય સુખ.
એક જમાનામાં ફક્ત વાર તહેવારે બનતા આ ભજીયાં હવે થાળીમાં દાળ, ભાત અને રોટલી સાથેનું સ્થાયી સભ્યપદ પામ્યા છે. થાળીમાં ભજીયાં તો અચૂક ગોઠવાયેલાં જ હોય. સાબિતી માટે કોઈ પણ મંદિરનો રાજભોગ લો કે પછી કોઈને ત્યાં તેરમાનું ભોજન જોઈ લો. જાત જાતની ચટણીઓની વચમાં ડોકિયાં કરતાં ભજીયાં જોવા મળશે જ. સમય સાથે સાથે તેના રૂપ રંગમાં થોડા ફેરફાર થયા છે અને ઈસવીસનપૂર્વે ફક્ત થોડા પદાર્થો માંથી પરિવર્તિત થતાં આ ભજીયાં હવે પનીર, બેબી કોર્ન, બ્રેડ અને કંદના પણ બનવા લાગ્યા છે. ગુજરાતીઓની સીમા લાંધી તેણે હવે ભારતભરના લગભગ બધા પ્રાંતોને જુદા જુદા નામથી કબજામાં લઈ લીધા છે.
ભજીયાં પોતાની તટસ્થતા માટે પણ જાણીતા છે. એ ગરીબ, પૈસાદાર, ઉચ્ચવર્ગ, નીચવર્ગ, પાતળા, જાડા સર્વેના કોલેસ્ટરોલને એક સરખું વધારી આપે છે. ‘આગળ વધતા’ રહેવાના વિશ્વસૂત્રને તે પેટ પાસે બરાબર મનાવે છે અને એનું ક્ષેત્રફળ ઓછી મહેનતે વધારી આપે છે. જેમ હાડકાં અને સ્નાયુ શરીરના ભાગ છે તેમ તે ચરબીને પણ અતિ પ્રમાણમાં શરીરમાં ગોઠવી આપે છે. લગભગ આજકાલ બધા જ ખાદ્ય પદાર્થોં ઓછા ‘ચરબીયુક્ત’ પ્રકારે બનાવી શકાય છે પણ ભજીયાં આમાં અપવાદ છે. ભજીયાં અને તેલનો સંબંધ તો જાણે મોબાઈલ ફોન અને એના સેર્વીસ પ્રોવાઈડર જેવો છે, કોઈ એને અલગ ના કરી શકે ! હા, ધનાઢય કુટુંબમાં તબીબોની સેકડોં દવાઓની પાવતીઓ પછી અને થોડા દિવસના હોસ્પિટલના હવાફેર પછી આપણે ભજીયાંનું તેલ જરૂર બદલી કાઢ્યું અને ઓલીવ તેલ વાપરવા લાગ્યા પરંતુ ભજીયાંનું મહત્વ તો અકબંધ જ છે.
ભજીયાંને જો કોઈ જોરદાર ટક્કર આપતું હોય તો તે એના જ કુટુંબીજન ફાફડા છે. અરે, હદ તો ત્યારે થઈ ગઈ જયારે કોઈક ભજીયાં વિરુદ્ધ ટોળકીએ આખે આખી દશેરા ફાફડાને ફાળવી દીધી અને એ પણ કોઈ ખાસ કારણ વગર અને એનો પ્રચાર પણ એવો કે ઘરે ઘરે ભલે દશેરાની પૂજા થાય કે ના થાય, બારણે તોરણ બંધાય કે ન બંધાય, પરંતુ ફાફડા-જલેબી તો ખવાય જ ! અને ફાફડા-જલેબી અને પપૈયાની છીણે તો જાણે એક દિવસ માટે ભજીયાંનો કાંટો જ કાઢી નાખ્યો. ભજીયાં પ્રેમી પણ એમ કાંઈ ચૂપ રહે ? એમણે આખે આખી શરદ પૂનમ એના નામે કરી દીધી અને જલેબીને માત આપવા દૂધપાકને મૈદાનમાં ઉતાર્યો. સાથે સાથે કાળી ચૌદસે પણ મોરચો બાંધી લીધો. ઘરનો કકળાટ બહાર કાઢવા ભજીયાંની મદદ પણ લેવડાવી. લોકો દઢપણે માનવા લાગ્યા કે એમના બનાવેલા જાતજાતના ભજીયાં સાથે જાણે ઘરના કકળાટ ઉપજાવનારા પરિબળો પણ આકર્ષાશે અને ઘરની બહાર પલાયન કરી દેશે. સમાજ પર ઘણાં ઉપકારો કર્યા છે આ ભજીયાં એ તો. કોઈ અણનોતર્યા મહેમાનથી જલ્દી છૂટવા ભજીયાં હંમેશાં પૂરેપૂરો સહકાર આપે છે અને મહેમાન હજૂર બે-ઘડી પોરો ખાય ત્યાં સુધીમાં તો તૈયાર અને ફટ દઈને મહેમાનના પેટમાં ! બસ, પછી ફક્ત મુખવાસ ધરવાનો કે જેથી મહેમાનને પાછા વાળવાનો સંકેત મળી જાય.
ભજીયાં સમાજ સુધારક પણ છે. ગલીએ ગલીએ અને ગટરે ગટરે ઉભેલા ભજીયાંવાળા ને તેણે ‘બે પાંદડે’ થવાનો મોકો આપ્યો છે. અરે, એણે તો ભરપેટ કમાઈ ચુકેલા અને ઉપરથી ચાર-છ વાર ઓડકાર ખાઈ ચુકેલા ડોકટરોને પણ ‘ડઝન પાંદડે’ બનાવી ચુક્યા છે. આખા સમાજને જાણે ભજીયાએ એકલા હાથે ગરીબી દૂર કરવાનું વચન આપ્યું છે. જોવા જઈએ તો ભજીયાં સાથે અન્યાય પણ ઘણો થયો છે. આટલી જૂની આપણી ધાર્મિક સંસ્કૃતિમાં કે કોઈ પણ ધાર્મિક ગ્રંથોમાં ક્યાંય પણ ભજીયાંનો ઉલ્લેખ સુદ્ધાં નથી આવતો. રામે શબરીના એઠાં બોર ખાધાં, કૃષ્ણએ તો ચોરીને માખણની જયાફત ઉડાવી, ગણપતિએ લાડવા પર પસંદગી ઢોળી પરંતુ ભજીયાં વિશે કોઈએ વિચાર્યું સુદ્ધાં નહિ. હવે આપણે એનું સાટું વાળવાની કોશિશ કરી રહ્યા છે ભજીયાંને અતિશય પ્રેમ કરીને….! પછી ભલે આપણા પૈસા પહેલાં ભજીયાંવાળાને ત્યાં અને પછી થોકના ભાવે ડોક્ટર પાસે અને છેલ્લે જીમવાળા પાસે જાય…. પણ ભજીયાંને ખોટું ના લાગવું જોઈએ….!
ભજીયાં હવે આપણી શાળામાં પણ આવવા તૈયાર છે. ભજીયાંપ્રેમી લોકોએ તો આખેઆખી બારાખડી સચિત્ર ભજીયાં પર તૈયાર કરી છે : જેમાં છે …. ‘ક’ કેળાંના ભજીયાંનો ‘ક’, ‘ખ’ ભજીયાંના ખીરાનો ‘ખ’ … ‘ગ’ ગલકાના ભજીયાંનો ‘ગ’….. અને હવેની પ્રજા ભમરડો તો ભૂલી જ ગયી છે તેથી ‘ભ’ ભજીયાંનો ‘ભ’.
ચાલો તો થઈ જાય….. ચાની ચુસ્કી સાથે ભજીયાંની ઉજાણી……..

1 ટિપ્પણી: