સોમવાર, 15 ઑક્ટોબર, 2012

શ્રાધ્ધ પક્ષ : કાગડાઓની દિવાળીઆપણે દિવાળી મનાવીએ બરાબર એ પહેલા આ દુનિયાનો એક જીવ દિવાળી મનાવી ચુક્યો હોય છે. અને એ જીવ છે આપણા પિતૃઓનો પ્રતિનિધિ એટલેકે કાગડાઓ અને એમની દિવાળી એટલે આપણા કમોરતા એટલેકે શ્રાધ્ધ પક્ષ. પંદર દિવસ  સુધી ચાલનારા  આ કાગ ઉત્સવમાં બધાજ કાગડાઓ સપરિવાર ભાગ લેતા હોય છે। બધા કાગ સભ્યો પોતપોતાનો વિસ્તાર નક્કી કરી ને સજ્જ  થઇ  જાય છે માણસો તરફથી અર્પણ થતા પિતૃઓના કાગવાસ ને આરોગવા। આ પંદર દિવસ જો કોઈ સૌથી વધારે વ્યસ્ત હોય તો તે છે પિતૃકર્મ  કરાવનારા બ્રાહ્મણ અને કાગડાઓ .

ભારતભર માં   કાગડાઓ સર્વત્ર ફેલાયેલા છે। ભાગ્યેજ કોઈ વિસ્તાર કાગડા અને તેના કા  કા  કાગારોળ થી મુક્ત હોય છે। ચાંચ થી પૂછડી સુધી કાળાશ   ના  સમાન આ જીવ ને ભાગ્યે જ કોઈ બાકીના દિવસ યાદ કરતુ હોય છે। પણ  પિતૃપક્ષ ના આ પંદર દિવસ તેઓ  રાષ્ટ્રીય પક્ષી બની જાય છે। ઠેર ઠેર અગાસીઓમાં   લોગો એમની કાગવાસ લઈને  માણસ  થઈને કાગડોળે વાટ  જોતા હોય છે, કે ક્યારે આ પંખી સમાન દૂત આવે અને કાગવાસ  આરોગે અને અમે આ ગરમ કાળજાર  ધાબા  પરથી નીચે ઉતરીએ।

શ્રાધ્ધ પક્ષ આવતાજ અચાનક બધાને પોતપોતાના પિતૃઓની યાદ આવી જાય અને એ પણ એ  પ્રમાણે કે  કાગડાઓ બિચારા ઓવર   ટાઈમ કરી કરીને થાકી જાય. સદીઓથી ચાલી આવતી આ પ્રથામાં કાગડાઓ એક હત્થું રાજ ધરાવે છે. શ્રાદ્ધ પક્ષ આવ્યો નથી કે આગાશીઓ પર જાણે કોઈ મૉલના કૉટૅમાં ડિસ્પ્લેમાં  રાખ્યા હોય એમ પૂરી , ખીર અને ભજીયા ગોઠવાય જતા હોય છે.

 ભારતભરમાં આ પિતૃપક્ષને યોગ્ય ન્યાય આપવાનું બીડું  આ વર્ષે  અખિલ ભારતીય કાગડા સમિતિએ  માથે લીધું છે। આખાય દેશભરમાંથી ચુટાયેલા ધુરંધરો અને ઘણા પિતૃપક્ષ જોઈ ચૂકેલ કાગડાઓની  નિમણુક  કરાયેલ છે। ઘણી મહેનતે અને રાત રાત ભાર ના ઉજાગરા કરી એમને એક સુજાવપત્ર તૈયાર કર્યો છે  જે માણસ  જાતિને  નિભાવવાનો છે। ઘટતા જતા કાગ સભ્યોને કારણે થતી મુશ્કેલીઓથી બચવા માટે  "કાગવાસ  ઓન લાઈન પોર્ટલ   " શુરુ કરવાનો પણ પ્રસ્તાવ છે।

અખિલ ભારતીય કાગડા સમિતિ તરફથી પિતૃપક્ષ પ્રેમી માણસોને સૂચનાઓ નીચે પ્રમાણે છે।

૧. મેનુ બદલવું. વર્ષોથી એક નું એક કાગવાસ જોઈને મોટાભાગ ના યુવા કાગડાઓ એ  એને બદલવાની   માંગણી કરી છે. એક સરખા પૂરી ખીર ને રુખસદ આપી નવી વાનગીઓ અપનાવવી, જેવી કે નૂડ્લેસ, પિઝ્ઝા, ટાકોસ વગેરે વગેરે.

૨. મહેરબાની કરીને જલ્દીથી હવાય જાય એવી અને વાસી વાનગીઓ અમારા પર ના ઠપકારવી. 

૨. ભૂલ્યા વગર ખાદ્ય પદાર્થની બાજુમાં ટીસ્યું પપેર રાખવું.

૩. કાગવાસ મૂકી ખોટે ખોટા જોર જોર થી તુચ્કારા કરી કાગારોળ ના મચાવવી. શાંતિથી અમને નિરાંતે કાગવાસનું જમણ કરવા દેવું।

૪. અગર કાગવાસ મૂક્યાના દસ મીનીટમાં કોઈ કાગ સભ્ય ના દેખાય તો  અમારા ટોલ ફ્રી નંબર  પણ જાણ કરવી. કારણ વગર અમને ના કોસવા. એક એક કાગ સભ્ય સો-સો પિતૃઓનો અકાઉન્ટ સંભાળતો હોય છે.

૫. કાગવાસ ની માત્રાં કાગડાઓની સંખ્યા જોઈ ને વધારવી જરૂરી છે. ફક્ત એકાદ બે પૂરી લઈને જ ધાબા  પર ચઢી ના આવવું.

૬. વર્ષોથી તળેલું અને ગળ્યું ખાઈ ખાઈ ઘણા કાગ સભ્યોની ચરબી  ગયી છે , બની શકે ત્યાં સુધી સુગર ફ્રી અને ઓલીવ તેલ વાપરવું.

૭. કાગવાસ બની શકે ત્યાં સુધી  છાયામાં મુકવું જેથી કાગ સભ્યની  ત્વચા વધારે ઘેરીના બને।

૮.કાગવાસ આરોગતી વખતે માથે ઉભા ના રહેવું અને વાતોના વડા ના કરવા.

9. ઉચા ઉચા ટોવેર્સમાં રહેનારે કાગવાસ પોતાની આગાશીમાં ના રાખતા નીચે મૈદાનમાં રાખવું. ઉચે ઉચે ઉડાવી અમારી પાંખો પાસે વધારે શ્રમ ના કરાવવો .

આ નવસુત્રી સૂચનો અમલ કરવારી બાંહેધરી આપનાર  મનુષ્ય યજમાનોનો જ  કાગ સભ્ય કાગવાસ આરોગશે।


ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

પરિવર્તિત દિવાળી


દિવાળીની કાળી રાત્રીએ પારઘી કોમના જ્ઞાતિજનો ધીરે ધીરે વસાહતમાં આવેલા કાલિકા માતાનાં મંદિરમાં ભેગા થવા લાગ્યા. ગામની બહાર થોડા વખતથી વસેલા આ લોકોએ પોતાની કુળદેવી કાલિકાનું હંગામી મંદિર બનાવ્યું હતું. ભલે ગમે તેવું પણ કાળું કામ તેઓ કરતા હતા, પણ કાલિકાદેવી તેમના આસ્થાના સિંહાસન પર બિરાજમાન હતા. વાંસ અને ઝાડી ઝાંખરાના ડાળીઓથી બનાવેલા એ મંદિરમાં ક્રોધાતુર, લાલ જીભ બહાર કાઢેલી કાલિકાની મૂર્તિ ઉભી હતી. એમનું રૂપ એવું ભયંકર હતું જાણે આખી દુનિયાને આજે એ પોતાના ક્રોધનો શિકાર બનાવવાના હોય. કાળા રંગની મૂર્તિના એક હાથમાં કપાયેલું ડોકું અને ગળામાં કપાયેલા ડોકાઓનો હાર એમના ભયંકર રૂપમાં વધારો કરી રહ્યા હતાં. જેટલી ભયંકર કાલિકાની મૂર્તિ હતી એટલી જ ભયંકર પારધી લોકોની વૃત્તિ હતી. પોતાનું પેટ રળવા કોઈનો જાન લેવામાં પણ પાછીપાની ન કરતા. સર્વત્ર અંધારાનું રાજ છવાઈ ગયું છે. પારઘી લોકો ધીરેધીરે પોતાના ઢોલ અને નગારા સાથે મંદિરમાં આવવા લાગ્યાં છે અને મંદિરમાં સળગી રહેલી મશાલોના તેજમાં પારઘીઓ માતાના દર્શન કરી રહ્યા હોય છે. બધા આજે કાગડોળે વાટ જુએ છે કુળના યુવાન ભૈરવની...

"આવી ગયો બેટા"   ભાનુબાનો એ અવાજ શાંતિમય વાતાવરણને ચીરી નાખે છે. અને મંદિરમાં બધાની નજર ભૈરવ પર પડે છે.

"હા માં, દેવીના આશીર્વાદથી આજે ઘણો બધો માલ હાથ લાગ્યો છે." હાથમાં બેધારી તલવાર લઈ ભૈરવ બોલી ઉઠે છે.

એની એ તલવાર પર તાજા લોહીના ડાઘા ચાડી ખાઈ રહ્યા હતા કે ભૈરવે આજે લૂંટની સાથે ધીંગાણું પણ કર્યું છે. સોનાના હાથાવાળી એ તલવાર લઈ ભૈરવ મૂર્તિની નજીક આવી ચોરીની એ તલવાર અને સાથે બીજો બધો માલ માતાનાં ચરણોમાં મૂકી દે છે. ભાનુબાનો ચહેરો જાણે એક સાથે હજારો લાખો આશિર્વાદ એના દિકરા પર વરસાવી રહ્યાં હતાં. આખરે એકના એક દિકરાએ પણ લૂંટફાટ કરીને પોતાની જમાતના રંગ દેખાડ્યા હતા. સોળ વર્ષના એ નવયુવાને ચોરી અને મારફાડ પોતાના લોહીના વારસામાં મળ્યા હતા. ઢોલ નગારાના અવાજ સાથે માતાની આરતી શરૂ થઈ અને સૌ કોઈ ભૈરવના આજના કારનામા વિશે સાંભળવા આતુર બન્યાં.

લગભગ છેલ્લા કેટલાય દસકાઓથી પારઘીઓ જાણે લૂંટફાટ માટે જ જન્મ લેતાં હતાં. બાળપણથી આખી વસાહત જાણે પારઘિ બાળકો માટે ચોરી, લૂટફાટ શીખવાની નિશાળ હતી. તરતનો જન્મેલા બાળકમાં પણ માં બાપ ભવિષ્યના કુશળ પારઘી ; ચોર જ નિહાળતા. ભૈરવના બાપાનો પહેલેથી જ કુળમાં, વસાહતમાં નામ, આખરે કુંળના સૌથી ખતરનાક અને હિંસક પરાક્રમો એના નામે જ બોલતા હતાં. કેટકેટલાને અત્યાર સુધી મોતને ઘાટ ઉતારનાર અને ઘણી વખત જેલ તોડી ફરાર થયેલ કુખ્યાત અપરાધી. લગ્નની જાન હોય કે શેઠની તિજોરી, બધે એનો હાથ ફરી વળેલો. પણ ભૈરવના જન્મના ઠીક પખવાડીયા બાદ થયેલા ધીંગાણામાં એ ઘવાયા અને ચાર ચાર ગોળીના ઘાને લીધે તે દુનિયા છોડી દે છે. એક પારઘી સ્ત્રિએ આવી સ્થિતિ માટે હંમેશા તૈયાર રહેવાનું હોય છે. ભૈરવને લૂંટફાટમાં પારંગત બનાવવાની નેમ સાથે ભાનુબાના દિવસો વીતે છે. આજે એ રાત આવી પહોંચી છે જ્યારે ભૈરવે પોતાને એના બાપાનો સાચો વારસદાર સાબિત કરવાનો હતો.

દિવાળીની રાત ધીરે ધીરે વધારે ગાઢી થવા લાગે છે. ગામ આખું લક્ષ્મીપૂજાનો ઉત્સવ પતાવી પોતપોતાના ઘરે પહોંચી ચૂક્યા હોય છે. અઠવાડીયા પહેલેથીજ શેઠ ચરોતરભાઈનું ઘર ભૈરવે ભાળી રાખ્યું હતું. બે ગામ દૂરના ચરોતરભાઈ જાડેજા તાલુકાના મોટા શાહુકાર ગણાતા. ભૈરવે નિયત કરેલ સમયે શેઠને ઘરે ધાડ પાડે છે અને ઉંઘમાંથી જાગી ગયેલા શેઠને જોતા જ ભૈરવ નજીકમાં જ લટકાવેલી ખાનદાની તલવાર લઈને એમના પર હુમલો કરી દે છે. બેધારી તલવારનાં ઘાની સામે શેઠ ઢળી પડે છે અને ભૈરવ લૂંટના સામાનના પોટલા સાથે અંધારામાં ગાયબ થઈ જાય છે. અચાનક થયેલા શોરબકોરથી ગૌરીબેન, ચરોતરભાઈના પત્નિ અને ઘરના નોકર ચાકર જાગી જાય છે અને મુખ્ય ખંડમાં પહોંચી જુએ છે તો એમનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. શેઠ લોહીના ખાબોચીયામાં પડ્યા છે અને રાતના અંધારાનો લાભ લઈને ભૈરવ ક્યાંક ઓગળી જાય છે. દિવાળીની રાતના એ ઝગમગતા દીવાઓ આખીય વાતનાં સાક્ષી બનીને જોઈ રહ્યાં હોય છે. ધીરે ધીરે આખાય ગામમાં વાત ફેલાઈ જાય છે અને બધા ગ્રામજનો શેઠજીના બંગલે ભેગા થઈ જાય છે. ચાલીસ ચાલીસ વર્ષથી શેઠ સાથે દિવાળી ઉજવનાર ગૌરીબેનને માથે જાણે આભ ફાટી પડ્યું હતું. વિધાતાની એ ક્રૂર મજાક જાણે એમનો પીછો નહોતી મૂકી રહી, કમળાના રોગમાં હોમાઈ ગયેલા પુત્રની પાછળના આંસુ હજી સૂકાયા નહોતા ને ઘરમાંથી પરિવારનો આધારસ્તંભ આજે બેજાન છે.

ઉત્સવનું વાતાવરણ પારઘી વસાહતમાં પૂરજોશમાં જામ્યું હતું. આખરે એમના સૌથી યુવાન વંશજે પોતાના કુળનો રંગ રાખતા દિવાળીના શુભ દિવસથી લૂંટારૂની જિંદગી શરૂ કરી હતી. છેલ્લી કેટલીય પેઢીથી લૂંટફાટને પોતાનો ધર્મ બનાવી ચૂકેલી પારઘી જ્ઞાતી માટે આજે ગર્વની ક્ષણ હતી. કાલિકાની પૂજા કરવી અને લૂંટફાટ કરવી, જરૂર પડે તો ખૂન ખરાબા કરવા એ એમના લોહીમાં વણાયેલા સંસ્કાર છે. કુળના અડધાથી વધુ પુરૂષો જેલમાં જીવન ગાળતા કે ફાંસીએ લટકી ગયેલા છે. દર બે ત્રણ વર્ષે પોતાનો મુકામ બદલવો અને નવા નવા ગામોને, વસાહતોને પોતાનો શિકાર બનાવવા એ એમની રણનીતી હતી. પોતાના પતિને ખોઈ ચૂકેલી ભાનુબા આજે પુત્રના પરાક્રમથી ખુશ હતી. એના એકના એક પુત્રએ હવે કુળના કર્મ ધર્મને સમજી લીધા છે અને પોતાને એક સારો પારઘી સાબિત કરવાને પૂરેપૂરો લાયક થઈ ગયો છે. શેઠની એ બેધારી તલવાર કાલિકાની પાસે એમના ભયંકર રૂપમાં વધારો કરી રહી હોય છે. પહેલી ચોરીની નિશાની રૂપે એ માતાને ભૈરવનો ચઢાવો છે.

અત્યંત ગમગીની ભરેલા વાતાવરણમાં ચરોતરશેઠના અગ્નિસંસ્કાર થાય છે. જીંદગીના એ ઢળતા દિવસોએ ગૌરીબેન નિરાધાર બન્યા હતાં. પ્રથમ પુત્ર અને હવે પતિના મૃત્યુથી શોકાતુર છે. થોડા દિવસોમાં સગાવહાલાં પોતપોતાને સ્થાને પાછા ફરે છે અને રહી જાય છે ફક્ત ગૌરીબેન અને એમના પરિવારજનોની યાદો. શેઠે અઢળક સંપત્તિ ભેગી કરેલી છે પણ ગૌરીબેનના બેજાન જીવનમાં એ રંગ જરાય કામના નથી. ખૂબજ સંસ્કારી જીંદગી જીવેલા ગૌરીબેન પોતાની બાકી જીંદગી અને સંપત્તિ લોકો માટે વાપરવાનો નિર્ધાર કરે છે. આખરે એમની વિરાસતનો વારસદાર પણ તો કોઈ નહોતો.

સમયના વહાણા વાવા લાગે છે. ધીરે ધીરે એકલવાયા જીવનને કોઠે પાડી દીધેલા શેઠાણીને લોકસેવાનો રંગ ચઢી રહ્યો છે. એમના ઘરના કમાડ હવે જરૂરતમંદ લોકો માટે હંમેશા ખુલ્લા રહે છે. ગરીબ પરિવારોની મદદ કરવી એ એમનો જીવનમંત્ર બની ગયો છે. ગામના મંદિરનો જીર્ણૉધ્ધાર કરવાથી લઈને ગામની શાળા એ બધેય એમના નામની તક્તી લાગી ચૂકી છે. ગામમાં કોઈના પણ લગ્ન હોય, સૌથી વધારે ફાળો શેઠાણીનો જ રહેતો. જાણે એ સાબિત કરી રહ્યા હતાં કે,

નથી મળવાની ખુશી સંપત્તિમાં,
આ મોજાઓ રડીને કહે છે જગતને
ભીતરમાં એ મોતી ભર્યાં છે છતાંય
સમદરના ખારા જીવન થઈ ગયાં છે.

વર્ષો વીતતા રહે છે, ભૈરવ એક રીઢો ગુનેગાર બની ચૂક્યો છે. આખરે એ જ રસ્તો હોય છે એમના પેટનો ખાડો પૂરવાનો. તાલુકાના લગભગ બધાં જ ગામ પારઘીઓના શિકાર બની ચૂક્યા છે. આખરે દર અમાસે નાની મોટી ચોરી કરી માતાને ચઢાવો ધરવો એ જ એમનું ધર્મ પાલન હતું. જીવન કરતા મૃત્યુનો જ હીસાબ આ પારઘીઓની જીભ ઉપર વિશેષ રમતો.

સૃષ્ટીનું ચક્ર અવિરત ચાલતું રહે છે, જાણે કુદરત આ વખતે પ્રકોપમય બની હોય એમ આખાંય તાલુકામાં પૂર આવે છે, દિવસો સુધી પૂરનાં પાણી ઘરમાં ભરાઈ રહે એ અને લોકોને જ્યાં ઉંચી જગ્યાએ શરણું મળે ત્યાં રહેવા લાગે છે. તાલુકાભરના ગામના પાદરો જાણે આજે એક થઈ જવા માંગતા હોય છે, આખો વિસ્તાર પહેલા એક તળાવ, પછી નદી અને પછી સમુદ્રસમો ભાસે છે. બે ચાર દિવસે જ્યારે ધીરે ધીરે પૂરના પાણી ઓસરે છે ત્યારેઆખેઆખાં ગામ પાણીમાં ધોવાઈ ગયાં હોય છે. કાચા માટીના ઘરોમાં પાદરપાર રહેતા પારઘી વસાહત પણ તારાજ થઈ જાય છે. ચોરી અને લૂંટફાટ ખૂબ જ બહાદુરીથી કરનાર પારઘીઓ લાચાર બન્યા હોય છે. બચેલા સામાન સાથે જેવા એ પોતાના વસાહતમાં પાછા આવે છે કે પૂરનો કારમો પ્રકોપ નજરે પડે છે. જાણે કુદરતે એમને ફરીથી એકડા ઘૂંટવા પાટી કોરી ન કરી આપી હોય એમ ! આખી વસાહત એક મેદાનમાં ફેરવાઈ જાય છે.

આવી વિષમ સ્થિતિમાં ગૌરીબેન તિજોરીઓના તાળા ખોલી દે છે. અનાજના કોઠારો ખુલ્લા કરી દે છે. લોકસેવા કરતા અને ગામની દુર્દશા જોતા ગૌરીબેન પાદરે બે ગામ દૂર આવી પહોંચે છે. આખે આખી વસાહત નાશ પામવાને કારણે જેમ તેમ કરીને બચાવેલા સામાન સાથે પારઘીઓ નિરાધાર બની બેઠા હોય છે. બચેલા સામાનમાં સૌથી મહત્વનું કાંઈ હોય તો એ કુળદેવીની મૂર્તિ અને બેધારી તલવાર હોય છે. ગૌરીબેન પારઘીઓને ભેગા કરીને આશ્વાસન આપે છે અને એમને બેઠા કરવાનું બીડું ઝડપે છે. પૈસાની સગવડ મળતાં જ પારઘીઓ ઘર બાંધવાનો સામાન લેવા નીકળી પડે છે. શેઠાણી તેમને માટે નવું જીવન લાવ્યા હોય છે. જોતજોતામાં થોડા દિવસોમાં તો એ કાચા ઘરોનાં સ્થાને સુંદર પાકા મકાનો ઉભા થઈ જાય છે અને કાલિકાનું સુંદર મંદિર પણ બની જાય છે. મૂર્તિની બાજુમાં એ જ બેધારી તલવાર પધરાવાય છે જે ભૈરવે લૂંટેલી. ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડે છે અને પારઘીઓ આભાર માનવા શેઠાણીને નવા મંદિરની પ્રથમ આરતીનો લહાવો આપે છે, શેઠાણી એ સવિવેક સ્વિકારે છે.

મંદિરમાં આવતાં જ મૂર્તિની બાજુમાં પોતાની ખાનદાની તલવાર જોઈ શેઠાણી ડઘાઈ જાય છે, ઢોલ નગારા સાથે આરતી શરૂ થાય છે. પણ ગૌરીબેનની નજરો એ તલવાર પરથી હટાવી શક્તા નથી. આરતી પૂરી થતાં જ તે પૂછે છે, આ સોનાનાં હાથા વાળી તલવાર અહીં ક્યાંથી?

"એ તો મારા દિકરાની પહેલી કમાઈ છે." ભાનુબા બોલી ઉઠે છે.

"પહેલી કમાઈ?"

"હા બહેન, હવે તમારાથી શું છુપાવવું? ચોરી લૂંટફાટ અમારા બાપદાદાથી ચાલી આવતો ધંધો છે. અમે એ કુળના છીએ, જેમાં ચોરી લૂંટ વગેરે જ અમારો ધર્મ છે અને અમારા લોકોની એ જ આવડત છે."

ભાનુની આંખમાં સત્ય ટપકતું હોય છે. આખરે ક્યાં સુધી કોઈ વડીલ પોતાના કુળના જુવાનોને ફાંસીએ ચઢતા કે આખું આયખું જેલમાં વીતાવતા જોઈ શકે? એમને બદલાવું હોય છે અને જાણે એ ગૌરીબેનને મદદની આજીજી કરી રહ્યા હોય છે.

અચાનક આવી પડેલા સત્યથી ગૌરીબેન સ્તબ્ધ થઈ જાય છે. ગૈરીબેન કળી જાય છે કે આ બીજુ કોઈ નહીં પણ પોતાન ઘરને લૂંટનારા, તેમના ધણીની હત્યા કરનારા ચોરોની ટોળકી છે. ભાનુબેનની કબૂલાત અને આ તલવાર એની સાક્ષી પૂરી રહ્યા હોય છે.

પણ બેન, અમને તો આ અંધારીયા કાળા કૂવામાંથી બહાર આવવું છે. ભાનુબા બોલી ઉઠે છે.
દાયકાઓ જૂના તણાવગ્રસ્ત માહોલમાંથી બહાર લાવવાનું સામર્થ્ય એ ગૌરીબેનમાં ભાસે છે. સલામતી અને આદરભર્યા જીવન માટે ગૌરીબેન તેમની આશાનું કિરણ છે.

ગૌરીબેન નિઃશબ્દ થઈ જાય છે. અજાણતામાં પોતાની જીંદગીના સંધ્યાકાળે પોતાને નિરાધાર કરનારા લોકોની એ મદદ કરી રહ્યા હોય છે જેમના માટે એમણે જાત ઘસી કાઢી હોય છે. તન મન અને ધનથી મદદ કરી હોય છે એ જ લોકો એમની જીંદગીની એ વિષમ સ્થિતિ માટે જવાબદાર હોય છે. પણ સંસ્કારોને પોતાના દિલમાં ઉતારી ચૂકેલા ભગવદીય ગૌરીબેનને એમાં કોઈક ઈશ્વરીય સંકેત દેખાય છે.

શેઠાણી પોતાના પતિની હત્યાનો બદલો લેવાનો નિશ્ચય કરે છે. ભાનુબા અને બીજા બધા પારઘી વડીલો સાથે મળી બાળકોને શાળાએ મોકલાવે છે. જુવાનોને ખેતીલાયક જમીનના ટુકડાઓ આપી ખેતી કરાવડાવે છે. કુંવારી પારઘી દીકરીઓના સારા ઘરે લગ્ન કરાવી ઘર માંડી આપે છે. ધીરે ધીરે પારઘીઓ લૂંટફાટ કિનારે મૂકી મહેનતનું જીવન જીવવા લાગે છે. જીવનમાં આમૂલ પરિવર્તન પામનારા પારઘીઓને જાણે કેટલાય જન્મોનો એમનો થાક ઉતરી રહ્યો હોય એમ લાગે છે. અભણ પારઘીઓને પોતાના શાળાએ જતા બાળકોમાં એક સારા ભવિષ્યના દર્શન થઈ જાય છે. એક સારો સમાજ નિર્માણ થવા લાગે છે. કાલિકાની મૂર્તિમાં માતાને જોનાર પારઘીઓને ગૌરીબેનમાં જીવંત કાલિકાના દર્શન થાય છે.

પારઘીઓને સારા અને સાચા જીવનનીરાહ પર ચલાવવાનું ગૌરીબેનનું સ્વપ્ન અને વર્ષોનું તપ રંગ લાવે એ. એક જમાનામાં દિવાળીના દિવસથી અમંગળ જીવનનો પ્રારંભ કરનારા પારઘીઓ પ્રકાશમય અને મંગળ દિવાળીના પ્રસંગે હવે નવી જીંદગીના અનુભવો વહેંચે છે. ભટકતા જીવન માટે ટેવાયેલા પારઘી એક જગ્યાએ ઠરીઠામ થાય છે. વર્ષોથી દિવાળીના દિવસે પતિને શ્રધ્ધાંજલી આપનાર ગૌરીબેન આ વર્ષે દિવાળી પારઘીઓ સાથે ઉજવવાનું નક્કી કરે છે. એ જ કાલિકાની ભયંકર રૂપ વાળી મૂર્તિ અને એ જ એમની ખાનદાની સોનાના હાથાવાળી તલવાર. પણ સામે આજે નતમસ્તકે ઉભેલા હતાં. પરિવર્તિત અને સંસ્કારી પારઘીઓ. આજે ગૌરીબેન પોતાના પતિની હત્યાનો બદલો લેવામાં સફળ થયા છે. એક કુળનું પરિવર્તન કરીને....

બુધવાર, 8 ઑગસ્ટ, 2012

બે વર્ષની જિંદગી


….અને લિફટ પંદરમા માળે આવીને અટકે છે. રાધિકા એમાંથી બહાર આવે છે અને ડૉ. અજયના કન્સલટિંગ રૂમમાં પ્રવેશે છે. એક અલગ પ્રકારની શાંતિએ ત્યાં અનુભવે છે. વચ્ચે વચ્ચે રણકતા ફોનના અવાજ સિવાય કોઈ અવાજ ત્યાં નહોતો. રાધિકા નવી નવી સ્નાતક થયેલી બાવીસ વર્ષની યુવતી હતી. વર્ષોથી શહેરમાં ઉછરી હતી અને બીજા બધા શોખની સાથે એને થોડા સમયથી નાની વાર્તાઓ લખવામાં અત્યંત આનંદ આવતો હતો. પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એ પોતાના માથામાં ઉપડતા દુ:ખાવાથી પરેશાન હતી. ફેમીલી ડૉક્ટરના કહેવાથી એ મગજનું સ્કેનિંગ કરાવવા ડૉ. અજયના દવાખાને આવી હતી. અત્યારના એ ડૉ. અજયની વાટ જોઈ રહી હતી અને સાથે સ્કેનિંગ રિપોર્ટ પણ આવવાનો હોવાને લીધે થોડી ડરી રહી હતી, બેચેન હતી.
લગભગ પોણા કલાક પછી આગળના દર્દીઓને સલાહ આપ્યા પછી રાધિકાનો નંબર આવે છે. ડૉ. અજય એનો રિપોર્ટ પહેલા જ જોઈ ચૂક્યા હતા. એમના કપાળની રેખાઓના હાવભાવ દ્વારા તેઓ રાધિકાને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા. રાધિકાના નાના મગજની પાછળ એક ગાંઠ થઈ હતી જે જીવલેણ હતી. અજયે રાધિકાને શાંતિથી સમજાવે છે અને ઑપરેશનની ભલામણ કરે છે.
‘મારી પાસે કેટલો સમય છે, ડૉક્ટર ?’ રાધિકા બધી વસ્તુઓના નિચોડ સમો એક જ પ્રશ્ન કરે છે.
‘બે વર્ષ, વધારેમાં વધારે.’ રાધિકા વિચારોની શૂન્યતા સાથે ઘરે જવા નીકળે છે. પ્રયત્ન કરીને પોતાને વધારે સ્વસ્થ કરવા જાય છે જેથી રાતના બહારગામથી પરત થનાર મા-બાપને આવકારી શકે.
રાધિકાના રોગ વિશે જાણી મા-બાપ પણ એક ધબકારો ચૂકી જાય છે અને એને ઑપરેશન માટે સમજાવવા લાગે છે. પરંતુ રાધિકા એ બે વર્ષને પૂરેપૂરા જીવી લેવાનો નિર્ધાર રાખીને બેઠી છે. એ પોતાના નવીન શોખની પાછળ સમય આપે છે. લગભગ દોઢેક વર્ષના અંત સુધી રાધિકા લગભગ ત્રણ પુસ્તક લખી ચૂકી છે. એ વાર્તાઓમાં એના અંતરનો અવાજ, એના ઉમંગો અને આનંદ ઉમેરાયેલા છે. કદાચ એ જ કારણથી એની ગણના એક સારા ઉભરાતા લેખકોમાં થવા લાગી છે. પરંતુ આ અંતરના આનંદની સાથે સાથે એના ટ્યૂમરનો દુ:ખાવો પણ વધતો જાય છે. આખરે રાધિકા ઑપરેશન કરાવવાનું નક્કી કરે છે. સદભાગ્યે બધું હેમખેમ પાર ઊતરે છે અને રાધિકાનું ઑપરેશન સફળ થાય છે. થોડા સમયમાં જ એને મગજના દુ:ખાવાથી આરામ મળે છે.
રાધિકા એ ઘટના પછી પણ પોતાનું લેખન કાર્ય ચાલુ રાખે છે. ચાલીસેક વર્ષ પછી જ્યારે પણ રાધિકા એ પ્રસંગને યાદ કરે છે ત્યારે સંતોષની લાગણી અનુભવે છે. લગભગ 63 વર્ષની ઉંમરે રાધિકા મૃત્યુ પામે છે. પોતાની આખી જિંદગી સાહિત્યની સેવામાં ગુજારનાર રાધિકા છેલ્લા દિવસ સુધી એ શોખ જાળવી રાખે છે. લગભગ ડઝનેક વાર્તાસંગ્રહ અને આશરે એટલી જ નવલકથા લખનાર રાધિકાની શ્રેષ્ઠ કૃતિ એ બે વર્ષમાં લખાયેલી વાર્તાઓ જ ગણાય છે. એ બે વર્ષ રાધિકા પોતાની જિંદગીના છેલ્લા વર્ષો માનીને ઉજવે છે જે એની વાર્તઓ સ્વરૂપે બહાર આવે છે.
મરવા માટે સાચે જ હિંમતની જરૂર છે એવું માનનારા પણ માનવા માંડે છે કે જીવવા માટે એનાથી વધારે હિંમતની જરૂર છે ! રાધિકાને આજે મરણોત્તર સાહિત્યરત્નના ખિતાબ માટે ચૂંટી કાઢવામાં આવે છે. એના બધા જ સાહિત્ય રચના પૈકી એક ખાસ વાર્તાસંગ્રહને બિરદાવવામાં આવે છે, જેનું નામ છે : ‘બે વર્ષની જિંદગી.’ કહેવાની જરૂર નથી, આ એ જ સાહિત્ય રચના છે જે એણે પોતાના જિંદગીના એ બે વર્ષને છેલ્લા વર્ષ ગણીને આજથી ચાલીસેક વર્ષ પહેલાં લખી હતી !

ક્યારે અટકવું ?


આખરે છમછમ કરતા વર્ષાઋતુનું આગમન થઈ ગયું. આ વખતે ચોમાસાએ થોડા મોડા દસ્તક દીધા હતા. છેલ્લા પંદર વીસ દિવસથી અબ્રા ગામના એ પચાસ-સાઈઠ ખેડૂત કુટુંબ એની કાગડોળે વાટ જોઈ રહ્યા હતા. અચાનક જાણે નાટકનો મંચ જેમ બદલાઈ જાય એમ ગામની સિકલ બદલાવા લાગી. વરસાદનો અનુભવ લેવા બધા પોતપોતાના ખોરડાની બહાર આવી ગયા. પંખીઓને પણ જાણે અત્યારે પોતાના માળા કેદખાના જેવા લાગવા લાગ્યા અને બધાયે બહાર ટોળામાં આકાશમાં ભમ્મર લેવા લાગ્યાં.
લગભગ આખા ગામની આજીવિકા નાની-મોટી ખેતી દ્વારા જ ચાલતી હતી અને થોડા સમયના દુકાળ અને ગયા વર્ષના લીલાદુકાળે લગભગ બધું જ સાફ કરી નાખ્યું હતું. આખું ગામ જાણે ઈન્દ્રદેવને વીનવી રહ્યું હતું કે આ વખતે વર્ષારાણી વધારે ન રીઝે અને એના રૌદ્રરૂપના દર્શન કોઈને ન થાય. દુકાળની ન અટકતી વણઝારને કારણે ગામના કૂવા તો શું, ખેડૂતોની આંખો પણ અંદર ઊતરી ગઈ હતી. પરંતુ છેવટે વર્ષાના આગમનથી જ એમાં નવી જાન આરોપાઈ હતી.
સાંજ પડતા સુધીમાં બળબળતા તાપથી ત્રાહિમામ ગામડાંએ નિરાંતનો શ્વાસ લીધો. ધરતીમાના હૈયે ટાઢક વળી હતી પણ ચરોતરભાઈ પટેલના વિચારો કોઈ અલગ જ દુનિયામાં એમને લઈ જઈ રહ્યા હતા. ગત વર્ષની અતિવૃષ્ટિ એમના પાકની સાથે સાથે એમના એકના એક પુત્રનો પણ ભોગ લેતી ગઈ હતી. સતત દશેક દિવસના વરસાદને જાણે સમુદ્રના સીમાડાને મોટા કરી દેવા હતા અને ધરતી પર કોઈ વેર લેવાને ઈરાદે એને ડૂબાડી દેવી હતી ! જોતજોતામાં ગામેગામના નામો-નિશાન ન રહ્યા અને ખેતરે ગયેલો ચરોતરભાઈનો પુત્ર ગાંડાતૂર બનેલા પાણીમાં ગરકાવ થઈ ગયો. સૂકા દુકાળને સહન કરનાર ગામલોકોની કમર તોડવાનો જાણે વર્ષાએ અચૂક નિર્ધાર કર્યો હતો. આખરે વરસાદ બંધ થયો. પાણી ઊતરવા લાગ્યા અને ચરોતરભાઈને એના પુત્રનો કોહવાયેલો મૃતદેહ ગામની સીમના ઝાડવામાંથી મળી આવ્યો હતો.
ઘણા પ્રયત્નોથી પુત્રની ભૂલાયેલી યાદો આજે પાછી તાજી થઈ રહી હતી. જાતજાતના દોરાધાગા કરાવ્યા પછી પુત્રની આવી કરુણ દશા કયો બાપ જીરવી શકે ? ચરોતરભાઈનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. વર્ષાના આગમનથી ખુશ એવા ગામજનો રાત સુધી ચાલેલા એ વરસાદથી ધીરે ધીરે ડરવા લાગ્યા છે. આજની રાતે પણ જાણે એ દિવસની જેમ વરસાદ ગામને પોતાના કબ્જામાં કરવામાં આવ્યો હતો. ગામનો પહેલા વરસાદનો ઉત્સાહ ધીરે ધીરે રાતના અંધારામાં ઊતરવા લાગ્યો હતો. ચોમેર અંધકારની ચાદરને વરસાદ આજે વધારે ગાઢી બનાવી રહ્યો હતો.
ચરોતરભાઈના ચકડોળે ચઢેલા વિચારો એમને ધીરે ધીરે કોઈ બીજા દ્રશ્યો દેખાડવા લાગ્યા. નાનપણમાં સાંભળેલી એ શાહુકારની વાત કે જેને ક્યાં અટકવું એની ખબર નહોતી અને ભૂમિ પામવાની લાલચમાં મરતા દમ સુધી દોડ લગાવી પણ અંતે શર્ત લગાવેલા સ્થળથી ફક્ત બે મીટર દૂર મોતને ભેટ્યો ! ચરોતરભાઈ વિચારે છે, શું ખરેખર ફક્ત માણસ જ નથી જાણતો કે એને ક્યારે અટકવું જોઈએ ? કે ઘણીવાર સૃષ્ટિ પણ આમાં થાપ ખાઈ જતી હોય છે ? – ધીરે ધીરે વરસાદના અવિરત પાણીના કારણે અબ્રા ગામ એક ટાપુમાં બદલાઈ રહ્યું છે અને બે ઘડીના આનંદમાં ઓતપ્રોત ગામલોકોના ડોળા ફરી ચિંતાથી ઘેરાવા લાગ્યા છે.
.

બગાડેલું મીટર


મુંબઈમાં લગભગ સૂર્યાસ્તનો સમય થઈ રહ્યો છે. ધીરે ધીરે કાળા ડિબાંગ રસ્તાઓ જાણે રંગબેરંગી ચાદર ઓઢી રહ્યું હોય એમ જાતજાતના અને રંગબેરંગી વાહનોથી ઊભરાવા લાગ્યો. ઝરણું જેમ કલકલ કરતું સમુદ્રને મળવા આતુર હોય એમ લોકો પોતપોતાની કચેરીમાંથી નીકળી ઘરે પહોંચવા નીકળી પડ્યા છે.
અજય રોજની જેમ આજે પણ પોતાના ઑફિસથી નીકળી અને રિક્ષામાં બેસી ગયો હતો. પણ વારંવાર એની નજર કાચમાંથી દ્રષ્ટિગોચર થતા રિક્ષા ડ્રાઈવરના ચહેરા પર જઈ રહી હતી, એના ચહેરાના બદલાતા હાવભાવને અજય સમજવાની કોશિશ કરી રહ્યો હતો. રિક્ષા લગભગ હાઈ-વે પર આવેલા સિગ્નલ આગળ આવી અટકી ગઈ. અજયની નજર મીટર પર પડી, છેલ્લા લગભગ બે વર્ષથી એક જ રસ્તા પર રિક્ષામાં આવ-જા કરવાને કારણે એ રિક્ષાભાડા અને મીટરનું અનુમાન સચોટ કરી શકતો હતો. આજે એ મીટર લગભગ દોઢું ભાડું દેખાડી રહ્યું હતું. પહેલેથી જ ડ્રાઈવરના ચહેરાને સમજવાની કોશિશ કરનાર અજય, ખોટા મીટર અને ડ્રાઈવરની પરેશાનીનો તાગ મેળવવા મથવા લાગ્યો. પરિસ્થિતિને વધારે બરાબર જાણવા માટે તે રિક્ષાવાળા સાથે વાત કરવાનું શરૂ કરે છે અને થોડીવારમાં જ સમજી જાય છે કે તે પોતાના કૌટુંબિક અને આર્થિક કારણોસર મુશ્કેલીમાં છે.
અજય સમજી જાય છે કે મીટરનું ખોટું રિડીંગ બતાવવું એ કોઈ જોગાનુજોગ નથી. એ રિક્ષાવાળાની પોતાની અનેક મુશ્કેલીઓમાંની એકને ઓછી કરવાનો પ્રયત્ન હતો ! હવે રસ્તા પર વાહનો સાથે હોર્નના અવાજ પણ વધવા લાગ્યા હતા. આખા દિવસ સૂર્યપ્રકાશમાં તપેલા રસ્તાઓને હવે આજુબાજુ લગાવેલી સ્ટ્રીટલાઈટ્સ પ્રકાશમય કરી રહી હતી. અજવાળું ઓછું થવા છતાં પણ અજય રિક્ષા ડ્રાઈવરનો એ વેદનામય અને વિચારોથી ઘેરાયેલો ચહેરો સાફ જોઈ શકતો હતો. એક વાર તો અજયને મન થઈ આવ્યું કે એ રિક્ષાને બાજુ પર ઊભી રાખી, ખોટા મીટર માટે ડ્રાઈવરની ખબર લઈ લે, પણ ડ્રાઈવરના ચહેરા પરની રેખાઓ એને રોકી રહી હતી.
હંમેશા પ્રમાણે ટૂંકા રસ્તાથી જવા કરતાં અજય ડ્રાઈવરને બીજો રસ્તો બતાવે છે જે પ્રમાણમાં વધારે લાંબો છે. રિક્ષા પૂરપાટ એ રસ્તા પર જઈ રહી છે. અજય કેમેય કરીને એની નજર મીટર અને કાચમાં પડતા ડ્રાઈવરના પ્રતિબિંબ પરથી હટાવી નથી શક્તો. હાઈ-વે પરના રસ્તાઓ પસાર કરી રિક્ષા શહેરના અંદરના રસ્તા પર દોડવા માંડે છે. લોકોથી અને વાહનોથી ઉભરાતા રસ્તાઓ પર અજય નજર ચૂકવી ફરીથી ડ્રાઈવરને જોઈ રહ્યો છે. રિક્ષા એના ઘરની નજીક આવી ઊભી રહે છે. લગભગ બમણું મીટર જોતા જ પહેલાં તો અજયનો ચહેરો નારાજગી દર્શાવે છે પણ પછી પોતાના ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢી ડ્રાઈવરને આપી દે છે. અજયના ચહેરા પર ઊભા થયેલા હાવભાવને ડ્રાઈવર જોઈને કળી જાય છે કે આ કોઈ રોજના રિક્ષામાં સફર કરનાર જણાય છે અને મીટરના ખોટા રિડીંગને દરગુજર કરી રહ્યો છે. હાથમાં કડકડતી સો-સોની નોટ જોઈને એ પોતાની મુશ્કેલીઓનો ચિતાર અજયને કહેવા જાય છે ત્યારે અજય ઈશારાથી એને ના કહે છે. અજયની આંખો જાણે એને કહી રહી હતી કે હું બધું જાણી ગયો છું.
અજય પોતાની બેગ લઈ ઘર તરફ પગ માંડે છે. હવે કાચમાંથી જોતા રહેવાનો વારો ડ્રાઈવરનો આવે છે. હાથમાં આવેલી સો-સોની નોટ અને અજયના પ્રતિબિંબને જોઈ એની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે.
.

સફેદ શર્ટ


ચમચમ કરતી ઘણી બધી નિયોન લાઈટ્સને દિલિપભાઈની આંખો એકીટસે જોઈ રહી હતી. દિલિપભાઈ પોતાના દીકરા ચિરાગ સાથે અમેરિકાના એક મોલમાં ખરીદી માટે આવ્યા હતા. ભાવનગર નજીકના ગામડામાં રહેતા દિલિપભાઈ માટે આ પહેલી વિદેશયાત્રા હતી. જો કે તેમણે પૂરા ભારતના દર્શન પણ નહોતા કર્યા. વર્ષોથી એમનું ગામડું જ એમની જન્મભૂમિ ને કર્મભૂમિ હતી. આખી જિંદગી વૈતરું કરી એકના એક દીકરાને ભણાવી-ગણાવીને એન્જિનિયર બનાવ્યો હતો; જે થોડા સમયથી અમેરિકામાં રહેતો હતો.
મોલમાં ફરતા ફરતા ચિરાગ એક બ્રાન્ડેડ ગારમેન્ટની દુકાનમાં જાય છે. હજારો સ્ક્વેરફૂટના એ વિશાળ પરિસરમાં જાણે તૈયાર કપડાંનો કુંભમેળો જામ્યો હતો ! અચાનક દિલિપભાઈની નજર નજીકમાં લટકાવેલા સફેદ શર્ટ પર પડી અને જાણે એ શર્ટ એમને ભૂતકાળની કોઈ યાદ તાજી કરાવી રહ્યું હોય એમ લાગ્યું. દિલિપભાઈ નજીક જઈને શર્ટને વધુ નિકટથી જોઈ રહ્યા અને ક્યારે તે પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા, તે એ પોતે પણ કળી ન શક્યા.
આજથી સાઈઠ વર્ષ પહેલા દિલિપભાઈના બાપુજી એમને નજીકની મિશનરી શાળામાં મૂકવા ગયા હતા એ આખીયે ઘટના દિલિપભાઈની આંખો સામે આવીને ઊભી રહી. ગામના શેઠિયા પાસે ઉધારના લીધેલા પૈસાથી દિલિપભાઈને ભણાવવા માટે એમના બાપુજી આચાર્યને મળે છે. મિશનરી શાળામાં ભણાવવાની જો કે એમની સ્થિતિ નહોતી પણ મક્કમ નિર્ધાર હતો કે પુત્રને સારી શાળામાં જ મોકલવો. શાળામાં જોડાવાની બધી જ પ્રક્રિયા પતી ગઈ હતી, ત્યાં વિદાય લેતી વખતે આચાર્ય એમને યાદ કરાવે છે કે કાલથી દિલિપને શાળાના ગણવેશમાં ભણવા મોકલજો. બધી જ ફી માંડ માંડ ભરી ચૂકેલા એ આધેડવયના પિતા માટે તો આ સાંભળતાં જાણે વીજળી પડી હતી ! ‘ભલે’ કહીને એમણે પુત્ર સાથે વિદાય લીધી. ગણવેશમાં સફેટ શર્ટ પહેરવો જરૂરી હતો અને એવા બે સફેદ શર્ટ ખરીદવા એટલે એ સમય પ્રમાણે ઓછામાં ઓછો પાંચથી સાત રૂપિયાનો ખર્ચ હતો. આખા રસ્તે એમના વિચારો ફક્ત એક જ દિશામાં ચાલી રહ્યા હતા કે આ વધારાના પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરવો ? પુત્ર તરીકે તેઓ પિતાની મુશ્કેલી જાણીને એમની સાથે એનો ઉકેલ શોધવામાં જોડાય છે.
છેવટે પત્નીના મંગળસૂત્રને ગિરવે મુકવાના વિચાર સાથે પિતાજી ઘરે પહોંચે છે. પત્નીને બધી વાતથી વાકેફ કરીને પોતાની મજબૂરીથી શરમાય છે પણ પુત્રના અભ્યાસ માટે પતિ-પત્ની બંને મળીને બધું કુરબાન કરવા તૈયાર થઈ જાય છે. પૈસાનો બંદોબસ્ત થતાં જ બે નવા શર્ટ ઘરમાં આવે છે અને દિલિપભાઈના શાળાજીવનની શરૂઆત થાય છે. પણ શું થાય ? વિધાતાને કંઈક બીજું જ મંજૂર હશે. અકસ્માતમાં દિલિપભાઈ માતાપિતાને ગુમાવે છે અને ઘરખર્ચ કાઢવા માટે અભ્યાસ છોડીને નાના-મોટા કામમાં જોડાઈ જાય છે. સમય જતાં લગ્ન થાય છે અને થોડા સમયમાં પુત્ર ચિરાગ પણ આ કુટુંબનો સભ્ય બને છે. માબાપના સપના પૂરાં કરવા અને ચિરાગને ભણાવી મોટો માણસ બનાવવા આખી જિંદગી ખર્ચી કાઢે છે. છેવટે નસીબ સાથ આપતાં, ચિરાગ સાથે આજે ભાવનગરની બહારની દુનિયાને જોવા કાબેલ બને છે. બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ચિરાગને જ્યારે પોતાની માતાના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે એ ભાંગી પડે છે અને પિતા દિલિપભાઈને પોતાની સાથે રહેવા બોલાવી લે છે.
એકીટશે સફેદ શર્ટને જોઈને વિચારોમાં ડૂબેલા દિલિપભાઈ પર અચાનક ચિરાગની નજર પડે છે. નજીક આવીને તે તેમને ભૂતકાળના વિચારોમાંથી બહાર લાવે છે. પોતાના બીજા શર્ટની સાથે એ પિતા માટે $60 ડૉલરનું એ શર્ટ પણ ખરીદી લે છે. ખરીદી પતાવીને પિતા-પુત્ર કારમાં ઘરે પાછા ફરે છે. ઘરે પહોંચતાં જ ચિરાગનાં પત્ની પાણીનો ગ્લાસ ધરીને પ્રશ્ન કરે છે કે : ‘શું ખરીદ્યું ?’ ચિરાગ તેનો ટૂંકો જવાબ આપતાં કહે છે કે : ‘કંઈ ખાસ નહીં. મારા માટે ત્રણ-ચાર શર્ટ અને બાપુજી માટે એક સફેદ શર્ટ, બસ….’ આ “બસ” શબ્દ સાંભળી દિલિપભાઈ ફરી વિચારોના ચગડોળે ચડી જાય છે. એમની આંખ સામે સાત રૂપિયાના ગણવેશથી લઈ 60 ડૉલરના સફેદ શર્ટ સુધીની આખી યાત્રા સ્પષ્ટ દેખાય છે !

મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

"ભ” ભજીયાંનો “ભ”

પણે ગુજરાતીઓ બધી વસ્તુ સાથે લગાવ રાખીએ છીએ પછી એ જૂની રદ્દી હોય કે કબાટમાં પુરાયેલાં કપડાં હોય કે વર્ષો જૂના ક્યારેક જ વાપરેલ મોબાઈલ ના સીમ કાર્ડમાં પડેલા નંબરો હોય ! આપણને આપણા શરીર સાથે પણ અતિશય પ્રેમ છે જે કોઈ પણ ફક્ત શરીરની ભૂમિતિ જોઈને કહી શકે છે અને એટલે જ આપણો બધો શરીર પ્રત્યેનો પ્રેમ આપણે દેખાડીએ છીએ એના પર જાત જાતના અને ભાત ભાતના ભોજનનો એકધારો જરૂરિયાત વગરનો મારો ચલાવીને. એમાં પણ ભજીયાં સાથે તો જાણે આપણો અતૂટ સંબંધ છે.

પ્રાચીનકાળથી ભજીયાંનું અસ્તિત્વ અકબંધ છે. જેમ પુરાતનશાસ્ત્ર પથ્થર અને શીલાલેખોના વિશ્લેષણ કરી આ સૃષ્ટીનો તાગ મેળવવાની કોશિશ કરે છે તેમ તેઓ ભજીયાંના ઇતિહાસ પર પણ અભ્યાસ કરીને પૂરી માનવ સંસ્કૃતિ નહિ તો કમ સે કમ ગુજરાતી ભજીયાંપ્રેમ પર તો પ્રકાશ પાડી જ શકે છે ! આદિકાળથી ગુજરાતીઓનો ભજીયાં સાથે સંબંધ જરૂર છે. આપણે લગભગ દરેક કુદરતી અને અમુક માનવસર્જિત પદાર્થના ભજીયાં બનાવી ચુક્યા છે. ઉદહારણ રૂપે : બટાટા, કાંદા, મરચાં, કોબી, રીંગણા, ફ્લાવર, મગની દાળ કે પછી કોઈ પણ ભાજી હોય. અરે, ફળ ને પણ આપણે આમાંથી બાકાત નથી રાખ્યા ! કેળાંના ભજીયાં તો જાણે એક સ્વર્ગીય સુખ.
એક જમાનામાં ફક્ત વાર તહેવારે બનતા આ ભજીયાં હવે થાળીમાં દાળ, ભાત અને રોટલી સાથેનું સ્થાયી સભ્યપદ પામ્યા છે. થાળીમાં ભજીયાં તો અચૂક ગોઠવાયેલાં જ હોય. સાબિતી માટે કોઈ પણ મંદિરનો રાજભોગ લો કે પછી કોઈને ત્યાં તેરમાનું ભોજન જોઈ લો. જાત જાતની ચટણીઓની વચમાં ડોકિયાં કરતાં ભજીયાં જોવા મળશે જ. સમય સાથે સાથે તેના રૂપ રંગમાં થોડા ફેરફાર થયા છે અને ઈસવીસનપૂર્વે ફક્ત થોડા પદાર્થો માંથી પરિવર્તિત થતાં આ ભજીયાં હવે પનીર, બેબી કોર્ન, બ્રેડ અને કંદના પણ બનવા લાગ્યા છે. ગુજરાતીઓની સીમા લાંધી તેણે હવે ભારતભરના લગભગ બધા પ્રાંતોને જુદા જુદા નામથી કબજામાં લઈ લીધા છે.
ભજીયાં પોતાની તટસ્થતા માટે પણ જાણીતા છે. એ ગરીબ, પૈસાદાર, ઉચ્ચવર્ગ, નીચવર્ગ, પાતળા, જાડા સર્વેના કોલેસ્ટરોલને એક સરખું વધારી આપે છે. ‘આગળ વધતા’ રહેવાના વિશ્વસૂત્રને તે પેટ પાસે બરાબર મનાવે છે અને એનું ક્ષેત્રફળ ઓછી મહેનતે વધારી આપે છે. જેમ હાડકાં અને સ્નાયુ શરીરના ભાગ છે તેમ તે ચરબીને પણ અતિ પ્રમાણમાં શરીરમાં ગોઠવી આપે છે. લગભગ આજકાલ બધા જ ખાદ્ય પદાર્થોં ઓછા ‘ચરબીયુક્ત’ પ્રકારે બનાવી શકાય છે પણ ભજીયાં આમાં અપવાદ છે. ભજીયાં અને તેલનો સંબંધ તો જાણે મોબાઈલ ફોન અને એના સેર્વીસ પ્રોવાઈડર જેવો છે, કોઈ એને અલગ ના કરી શકે ! હા, ધનાઢય કુટુંબમાં તબીબોની સેકડોં દવાઓની પાવતીઓ પછી અને થોડા દિવસના હોસ્પિટલના હવાફેર પછી આપણે ભજીયાંનું તેલ જરૂર બદલી કાઢ્યું અને ઓલીવ તેલ વાપરવા લાગ્યા પરંતુ ભજીયાંનું મહત્વ તો અકબંધ જ છે.
ભજીયાંને જો કોઈ જોરદાર ટક્કર આપતું હોય તો તે એના જ કુટુંબીજન ફાફડા છે. અરે, હદ તો ત્યારે થઈ ગઈ જયારે કોઈક ભજીયાં વિરુદ્ધ ટોળકીએ આખે આખી દશેરા ફાફડાને ફાળવી દીધી અને એ પણ કોઈ ખાસ કારણ વગર અને એનો પ્રચાર પણ એવો કે ઘરે ઘરે ભલે દશેરાની પૂજા થાય કે ના થાય, બારણે તોરણ બંધાય કે ન બંધાય, પરંતુ ફાફડા-જલેબી તો ખવાય જ ! અને ફાફડા-જલેબી અને પપૈયાની છીણે તો જાણે એક દિવસ માટે ભજીયાંનો કાંટો જ કાઢી નાખ્યો. ભજીયાં પ્રેમી પણ એમ કાંઈ ચૂપ રહે ? એમણે આખે આખી શરદ પૂનમ એના નામે કરી દીધી અને જલેબીને માત આપવા દૂધપાકને મૈદાનમાં ઉતાર્યો. સાથે સાથે કાળી ચૌદસે પણ મોરચો બાંધી લીધો. ઘરનો કકળાટ બહાર કાઢવા ભજીયાંની મદદ પણ લેવડાવી. લોકો દઢપણે માનવા લાગ્યા કે એમના બનાવેલા જાતજાતના ભજીયાં સાથે જાણે ઘરના કકળાટ ઉપજાવનારા પરિબળો પણ આકર્ષાશે અને ઘરની બહાર પલાયન કરી દેશે. સમાજ પર ઘણાં ઉપકારો કર્યા છે આ ભજીયાં એ તો. કોઈ અણનોતર્યા મહેમાનથી જલ્દી છૂટવા ભજીયાં હંમેશાં પૂરેપૂરો સહકાર આપે છે અને મહેમાન હજૂર બે-ઘડી પોરો ખાય ત્યાં સુધીમાં તો તૈયાર અને ફટ દઈને મહેમાનના પેટમાં ! બસ, પછી ફક્ત મુખવાસ ધરવાનો કે જેથી મહેમાનને પાછા વાળવાનો સંકેત મળી જાય.
ભજીયાં સમાજ સુધારક પણ છે. ગલીએ ગલીએ અને ગટરે ગટરે ઉભેલા ભજીયાંવાળા ને તેણે ‘બે પાંદડે’ થવાનો મોકો આપ્યો છે. અરે, એણે તો ભરપેટ કમાઈ ચુકેલા અને ઉપરથી ચાર-છ વાર ઓડકાર ખાઈ ચુકેલા ડોકટરોને પણ ‘ડઝન પાંદડે’ બનાવી ચુક્યા છે. આખા સમાજને જાણે ભજીયાએ એકલા હાથે ગરીબી દૂર કરવાનું વચન આપ્યું છે. જોવા જઈએ તો ભજીયાં સાથે અન્યાય પણ ઘણો થયો છે. આટલી જૂની આપણી ધાર્મિક સંસ્કૃતિમાં કે કોઈ પણ ધાર્મિક ગ્રંથોમાં ક્યાંય પણ ભજીયાંનો ઉલ્લેખ સુદ્ધાં નથી આવતો. રામે શબરીના એઠાં બોર ખાધાં, કૃષ્ણએ તો ચોરીને માખણની જયાફત ઉડાવી, ગણપતિએ લાડવા પર પસંદગી ઢોળી પરંતુ ભજીયાં વિશે કોઈએ વિચાર્યું સુદ્ધાં નહિ. હવે આપણે એનું સાટું વાળવાની કોશિશ કરી રહ્યા છે ભજીયાંને અતિશય પ્રેમ કરીને….! પછી ભલે આપણા પૈસા પહેલાં ભજીયાંવાળાને ત્યાં અને પછી થોકના ભાવે ડોક્ટર પાસે અને છેલ્લે જીમવાળા પાસે જાય…. પણ ભજીયાંને ખોટું ના લાગવું જોઈએ….!
ભજીયાં હવે આપણી શાળામાં પણ આવવા તૈયાર છે. ભજીયાંપ્રેમી લોકોએ તો આખેઆખી બારાખડી સચિત્ર ભજીયાં પર તૈયાર કરી છે : જેમાં છે …. ‘ક’ કેળાંના ભજીયાંનો ‘ક’, ‘ખ’ ભજીયાંના ખીરાનો ‘ખ’ … ‘ગ’ ગલકાના ભજીયાંનો ‘ગ’….. અને હવેની પ્રજા ભમરડો તો ભૂલી જ ગયી છે તેથી ‘ભ’ ભજીયાંનો ‘ભ’.
ચાલો તો થઈ જાય….. ચાની ચુસ્કી સાથે ભજીયાંની ઉજાણી……..