બુધવાર, 8 ઑગસ્ટ, 2012

બે વર્ષની જિંદગી


….અને લિફટ પંદરમા માળે આવીને અટકે છે. રાધિકા એમાંથી બહાર આવે છે અને ડૉ. અજયના કન્સલટિંગ રૂમમાં પ્રવેશે છે. એક અલગ પ્રકારની શાંતિએ ત્યાં અનુભવે છે. વચ્ચે વચ્ચે રણકતા ફોનના અવાજ સિવાય કોઈ અવાજ ત્યાં નહોતો. રાધિકા નવી નવી સ્નાતક થયેલી બાવીસ વર્ષની યુવતી હતી. વર્ષોથી શહેરમાં ઉછરી હતી અને બીજા બધા શોખની સાથે એને થોડા સમયથી નાની વાર્તાઓ લખવામાં અત્યંત આનંદ આવતો હતો. પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એ પોતાના માથામાં ઉપડતા દુ:ખાવાથી પરેશાન હતી. ફેમીલી ડૉક્ટરના કહેવાથી એ મગજનું સ્કેનિંગ કરાવવા ડૉ. અજયના દવાખાને આવી હતી. અત્યારના એ ડૉ. અજયની વાટ જોઈ રહી હતી અને સાથે સ્કેનિંગ રિપોર્ટ પણ આવવાનો હોવાને લીધે થોડી ડરી રહી હતી, બેચેન હતી.
લગભગ પોણા કલાક પછી આગળના દર્દીઓને સલાહ આપ્યા પછી રાધિકાનો નંબર આવે છે. ડૉ. અજય એનો રિપોર્ટ પહેલા જ જોઈ ચૂક્યા હતા. એમના કપાળની રેખાઓના હાવભાવ દ્વારા તેઓ રાધિકાને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા. રાધિકાના નાના મગજની પાછળ એક ગાંઠ થઈ હતી જે જીવલેણ હતી. અજયે રાધિકાને શાંતિથી સમજાવે છે અને ઑપરેશનની ભલામણ કરે છે.
‘મારી પાસે કેટલો સમય છે, ડૉક્ટર ?’ રાધિકા બધી વસ્તુઓના નિચોડ સમો એક જ પ્રશ્ન કરે છે.
‘બે વર્ષ, વધારેમાં વધારે.’ રાધિકા વિચારોની શૂન્યતા સાથે ઘરે જવા નીકળે છે. પ્રયત્ન કરીને પોતાને વધારે સ્વસ્થ કરવા જાય છે જેથી રાતના બહારગામથી પરત થનાર મા-બાપને આવકારી શકે.
રાધિકાના રોગ વિશે જાણી મા-બાપ પણ એક ધબકારો ચૂકી જાય છે અને એને ઑપરેશન માટે સમજાવવા લાગે છે. પરંતુ રાધિકા એ બે વર્ષને પૂરેપૂરા જીવી લેવાનો નિર્ધાર રાખીને બેઠી છે. એ પોતાના નવીન શોખની પાછળ સમય આપે છે. લગભગ દોઢેક વર્ષના અંત સુધી રાધિકા લગભગ ત્રણ પુસ્તક લખી ચૂકી છે. એ વાર્તાઓમાં એના અંતરનો અવાજ, એના ઉમંગો અને આનંદ ઉમેરાયેલા છે. કદાચ એ જ કારણથી એની ગણના એક સારા ઉભરાતા લેખકોમાં થવા લાગી છે. પરંતુ આ અંતરના આનંદની સાથે સાથે એના ટ્યૂમરનો દુ:ખાવો પણ વધતો જાય છે. આખરે રાધિકા ઑપરેશન કરાવવાનું નક્કી કરે છે. સદભાગ્યે બધું હેમખેમ પાર ઊતરે છે અને રાધિકાનું ઑપરેશન સફળ થાય છે. થોડા સમયમાં જ એને મગજના દુ:ખાવાથી આરામ મળે છે.
રાધિકા એ ઘટના પછી પણ પોતાનું લેખન કાર્ય ચાલુ રાખે છે. ચાલીસેક વર્ષ પછી જ્યારે પણ રાધિકા એ પ્રસંગને યાદ કરે છે ત્યારે સંતોષની લાગણી અનુભવે છે. લગભગ 63 વર્ષની ઉંમરે રાધિકા મૃત્યુ પામે છે. પોતાની આખી જિંદગી સાહિત્યની સેવામાં ગુજારનાર રાધિકા છેલ્લા દિવસ સુધી એ શોખ જાળવી રાખે છે. લગભગ ડઝનેક વાર્તાસંગ્રહ અને આશરે એટલી જ નવલકથા લખનાર રાધિકાની શ્રેષ્ઠ કૃતિ એ બે વર્ષમાં લખાયેલી વાર્તાઓ જ ગણાય છે. એ બે વર્ષ રાધિકા પોતાની જિંદગીના છેલ્લા વર્ષો માનીને ઉજવે છે જે એની વાર્તઓ સ્વરૂપે બહાર આવે છે.
મરવા માટે સાચે જ હિંમતની જરૂર છે એવું માનનારા પણ માનવા માંડે છે કે જીવવા માટે એનાથી વધારે હિંમતની જરૂર છે ! રાધિકાને આજે મરણોત્તર સાહિત્યરત્નના ખિતાબ માટે ચૂંટી કાઢવામાં આવે છે. એના બધા જ સાહિત્ય રચના પૈકી એક ખાસ વાર્તાસંગ્રહને બિરદાવવામાં આવે છે, જેનું નામ છે : ‘બે વર્ષની જિંદગી.’ કહેવાની જરૂર નથી, આ એ જ સાહિત્ય રચના છે જે એણે પોતાના જિંદગીના એ બે વર્ષને છેલ્લા વર્ષ ગણીને આજથી ચાલીસેક વર્ષ પહેલાં લખી હતી !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો