બુધવાર, 8 ઑગસ્ટ, 2012

ક્યારે અટકવું ?


આખરે છમછમ કરતા વર્ષાઋતુનું આગમન થઈ ગયું. આ વખતે ચોમાસાએ થોડા મોડા દસ્તક દીધા હતા. છેલ્લા પંદર વીસ દિવસથી અબ્રા ગામના એ પચાસ-સાઈઠ ખેડૂત કુટુંબ એની કાગડોળે વાટ જોઈ રહ્યા હતા. અચાનક જાણે નાટકનો મંચ જેમ બદલાઈ જાય એમ ગામની સિકલ બદલાવા લાગી. વરસાદનો અનુભવ લેવા બધા પોતપોતાના ખોરડાની બહાર આવી ગયા. પંખીઓને પણ જાણે અત્યારે પોતાના માળા કેદખાના જેવા લાગવા લાગ્યા અને બધાયે બહાર ટોળામાં આકાશમાં ભમ્મર લેવા લાગ્યાં.
લગભગ આખા ગામની આજીવિકા નાની-મોટી ખેતી દ્વારા જ ચાલતી હતી અને થોડા સમયના દુકાળ અને ગયા વર્ષના લીલાદુકાળે લગભગ બધું જ સાફ કરી નાખ્યું હતું. આખું ગામ જાણે ઈન્દ્રદેવને વીનવી રહ્યું હતું કે આ વખતે વર્ષારાણી વધારે ન રીઝે અને એના રૌદ્રરૂપના દર્શન કોઈને ન થાય. દુકાળની ન અટકતી વણઝારને કારણે ગામના કૂવા તો શું, ખેડૂતોની આંખો પણ અંદર ઊતરી ગઈ હતી. પરંતુ છેવટે વર્ષાના આગમનથી જ એમાં નવી જાન આરોપાઈ હતી.
સાંજ પડતા સુધીમાં બળબળતા તાપથી ત્રાહિમામ ગામડાંએ નિરાંતનો શ્વાસ લીધો. ધરતીમાના હૈયે ટાઢક વળી હતી પણ ચરોતરભાઈ પટેલના વિચારો કોઈ અલગ જ દુનિયામાં એમને લઈ જઈ રહ્યા હતા. ગત વર્ષની અતિવૃષ્ટિ એમના પાકની સાથે સાથે એમના એકના એક પુત્રનો પણ ભોગ લેતી ગઈ હતી. સતત દશેક દિવસના વરસાદને જાણે સમુદ્રના સીમાડાને મોટા કરી દેવા હતા અને ધરતી પર કોઈ વેર લેવાને ઈરાદે એને ડૂબાડી દેવી હતી ! જોતજોતામાં ગામેગામના નામો-નિશાન ન રહ્યા અને ખેતરે ગયેલો ચરોતરભાઈનો પુત્ર ગાંડાતૂર બનેલા પાણીમાં ગરકાવ થઈ ગયો. સૂકા દુકાળને સહન કરનાર ગામલોકોની કમર તોડવાનો જાણે વર્ષાએ અચૂક નિર્ધાર કર્યો હતો. આખરે વરસાદ બંધ થયો. પાણી ઊતરવા લાગ્યા અને ચરોતરભાઈને એના પુત્રનો કોહવાયેલો મૃતદેહ ગામની સીમના ઝાડવામાંથી મળી આવ્યો હતો.
ઘણા પ્રયત્નોથી પુત્રની ભૂલાયેલી યાદો આજે પાછી તાજી થઈ રહી હતી. જાતજાતના દોરાધાગા કરાવ્યા પછી પુત્રની આવી કરુણ દશા કયો બાપ જીરવી શકે ? ચરોતરભાઈનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. વર્ષાના આગમનથી ખુશ એવા ગામજનો રાત સુધી ચાલેલા એ વરસાદથી ધીરે ધીરે ડરવા લાગ્યા છે. આજની રાતે પણ જાણે એ દિવસની જેમ વરસાદ ગામને પોતાના કબ્જામાં કરવામાં આવ્યો હતો. ગામનો પહેલા વરસાદનો ઉત્સાહ ધીરે ધીરે રાતના અંધારામાં ઊતરવા લાગ્યો હતો. ચોમેર અંધકારની ચાદરને વરસાદ આજે વધારે ગાઢી બનાવી રહ્યો હતો.
ચરોતરભાઈના ચકડોળે ચઢેલા વિચારો એમને ધીરે ધીરે કોઈ બીજા દ્રશ્યો દેખાડવા લાગ્યા. નાનપણમાં સાંભળેલી એ શાહુકારની વાત કે જેને ક્યાં અટકવું એની ખબર નહોતી અને ભૂમિ પામવાની લાલચમાં મરતા દમ સુધી દોડ લગાવી પણ અંતે શર્ત લગાવેલા સ્થળથી ફક્ત બે મીટર દૂર મોતને ભેટ્યો ! ચરોતરભાઈ વિચારે છે, શું ખરેખર ફક્ત માણસ જ નથી જાણતો કે એને ક્યારે અટકવું જોઈએ ? કે ઘણીવાર સૃષ્ટિ પણ આમાં થાપ ખાઈ જતી હોય છે ? – ધીરે ધીરે વરસાદના અવિરત પાણીના કારણે અબ્રા ગામ એક ટાપુમાં બદલાઈ રહ્યું છે અને બે ઘડીના આનંદમાં ઓતપ્રોત ગામલોકોના ડોળા ફરી ચિંતાથી ઘેરાવા લાગ્યા છે.
.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો